કોલકાતા: દિલ્હીમાં થયેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળની જાણીતી અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. સુભદ્રા મુખર્જી બંગાળી ફિલ્મોમાં જાણીતુ નામ છે. સુભદ્રા મુખર્જી આશરે 6 વર્ષ પહેલા એટલે કે 2013માં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. હવે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.

સુભદ્રા મુખર્જીએ કહ્યું, હું બહુ આશાઓ સાથે ભાજપમાં સામેલ થઈ હતી પણ દિલ્હી હિંસા અને નફરતના માહોલથી નિરાશ છું. ભાઈ-ભાઈ ધર્મના નામે એક બીજાનુ ગળુ કાપી રહ્યા છે. 40 થી વધુ લોકોના મોતની ખબર સાંભળીને હું પરેશાન થઈ ગઈ હતી. તેમણે કહ્યુ હતુ કે, હું ધર્મના નામે લોકોનુ આકલન કરવામાં આવે તેવી રાજકીય બ્રાન્ડ સાથે રહેવા નથી માંગતી.

જોકે પશ્ચિમ બંગાળના ભાજપના નેતાઓનુ કહેવુ છે કે, પાર્ટીએ ક્યારેય વિચારધારા સાથે સમાધાન નથી કર્યુ. અમે પચાસના દાયકાથી શરણાર્થીઓ અને ઘૂસણખોરોની ઓળખ કરવા પર વાત કરી રહ્યા છે. દિલ્હી હિંસામાં ભાજપ સામેલ નથી.પાર્ટી છોડવાના મુખરજીના કારણ અંગે જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલી હિંસામાં આશરે 46 લોકોના મોત થયા છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલા દંગામાં દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 230 કરતા વધારે ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું માનીએ તો વધારે પડતા લોકોના મોત ગોળી લાગવાથી થયા છે.