Plane Emergency Landing: ટાટા ગ્રૂપની માલિકીના એર ઈન્ડિયાના વિમાને ઉડાન ભર્યાના 27 મિનિટ પછી મુંબઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યુ હતું. અધિકારીઓએ જાણકારી આપી હતી કે વિમાનના ઉડાન ભર્યા બાદ કોઇ ટેકનિકલ ખામીના કારણે વિમાનનું એક એન્જિન હવામાં બંધ થઇ ગયુ હતુ. ત્યારબાદ પાયલટે વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે બેંગ્લોર જઈ રહેલા આ પ્લેનના મુસાફરોને ગુરુવારે અન્ય વિમાનમાં રવાના કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન આ ઘટનાની તપાસ કરી રહી છે. એર ઈન્ડિયાના A320neo પ્લેનમાં CFM લીપ એન્જિન હોય છે. જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, એર ઈન્ડિયા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, અમારા વિમાનના પાયલટ અને અન્ય સ્ટાફ આવી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સક્ષમ અને નિષ્ણાત છે. અમારી એન્જિનિયરિંગ અને મેઇન્ટેનન્સ ટીમે તરત જ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
A320neo એરક્રાફ્ટે સવારે 9:43 વાગ્યે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્જિન બંધ થયા બાદ પાયલટે સવારે 10.10 વાગ્યે વિમાનને મુંબઈ એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું.