બેંગલુરુઃ કર્ણાટકના બેંગલુરુમાં બુધવારથી શરૂ થઈ રહેલા એર શો પહેલા મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. યેલહાંકા એરપોર્ટ પર એરશો માટે થઈ રહેલા રિહર્સલ દરમિયાન બે સૂર્યકિરણ વિમાનની પરસ્પર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક પાયલટનું મોત થયું છે. બંને એરક્રાફ્ટ રિહર્સલ માટે ઉડાન ભરીને આકાશમાં ઊંચે ચઢતા જ ટકારાયા હતા. જેના કારણે બંને વિમાનમાં આગ લાગી ગઈ હતી.

બેંગલુરુમાં 5 દિવસ ચાલશે એરો ઈન્ડિયા

બેંગલુરુ પોલીસે જાહેર કરેલા નિવેદન મુજબ, આ દુર્ઘટનામાં એક નાગરિક ઘાયલ થયો છે. બંને વિમાન યેલહાંકા ન્યૂ ટાઉન એરિયા પાસે પડ્યા હતા. દ્વિવાર્ષિક એર શો 'એરો ઈન્ડિયા 2019'નું આયોજન 20થી 24 ફેબ્રુઆરી દરમિયાન બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. આ એર શોમાં વૈશ્વિક અને ભારતીય એરોસ્પેસની ટેક્નોલોજી અને પ્રોડક્ટ્ને રજૂ કરવામાં આવશે.


સૂર્યકિરણ એરક્રાફ્ટની વિશેષતા

સૂર્યકિરણ એરક્રાફ્ટ ફેબ્રુઆરી 2015માં ફરી એરફોર્સમાં સામેલ થયું હતુ. આ વિમાનની સ્પીડ 450થી 500 કિમીની વચ્ચે છે. HAL દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે. 22 મે, 1996માં સૂર્યકિરણ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. સૂર્યકિરણે શ્રીલંકાથી સિંગાપોર સુધી 450 શો કર્યા છે. એરો ઈન્ડિયા 2011માં સૂર્યકિરણે અંતિમ ઉડાન ભરી હતી.