Bhagwant Mann 'Deplaning' Row: પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન તેમની જર્મની મુલાકાતને લઈ હાલ ખુબ ચર્ચામાં છે. જર્મની મુલાકાતથી પરત આવતી વખતે ભગવંત માનને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હોય એ વાત અંગે ખુબ ચર્ચા જગાવી હતી. રાજકીય પાર્ટીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, CM ભગવંત માને દારુ પીધેલી હાલમાં હોવાથી તેમને લુફ્થાન્સા એરલાઈન્સની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે, આમ આદમી પાર્ટી તરફથી કહેવાયું હતું કે, ફ્લાઈટમાં આવેલી ખરાબીના કારણે ભગવંત માનને ઉતરવું પડ્યું હતું.


જર્મનીની એરલાઈન્સે ટ્વીટ કર્યુંઃ


આ સમગ્ર મામલે હવે જર્મનીની એરલાઈન્સ લુફ્થાન્સાએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. પંજાબના સીએમ ભગવંત માનને ઉતારી દેવા અંગે લુફ્થાન્સાએ સોમવારે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી અને પુષ્ટિ કરી હતી કે ઇનબાઉન્ડ ફ્લાઇટને કારણે મોડી ઉપડી હતી. આ બાબતે એરલાઇન પાસેથી સ્પષ્ટતા માંગતી ટ્વિટર પોસ્ટના જવાબમાં, લુફ્થાન્સાના મીડિયા રિલેશન્સ એકાઉન્ટથી આ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો. 


ટ્વીટમાં જણાવામાં આવ્યું છે કે, "ફ્રેન્કફર્ટથી દિલ્હીની અમારી ફ્લાઇટ વિલંબિત ઇનબાઉન્ડ ફ્લાઇટ અને એરક્રાફ્ટમાં ફેરફારને કારણે મૂળ સમય કરતાં મોડી ઉપડી હતી". જોકે, કંપનીએ હજુ સુધી આ વિવાદ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. એરલાઈને વિલંબ માટે સીએમ ભગવંત માનની કોઈ સંડોવણીનો ઉલ્લેખ કર્યો નથી.




આપ દ્વારા આરોપ ફગાવાયા હતાઃ


અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબના મુખ્યમંત્રીને ફ્રેન્કફર્ટથી દિલ્હીની લુફ્થાન્સાની ફ્લાઇટમાંથી ઉતારી દેવાના મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીએ આરોપોને "પાયાવિહોણા" ગણાવતાં, મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કાંગે જણાવ્યું હતું કે, પંજાબના સીએમ કાર્યક્રમ મુજબ નવી દિલ્હી પાછા ફર્યા છે, તેમણે જર્મનીથી 18 સપ્ટેમ્બરે પરત ફરતી ફ્લાઈટ લીધી. તેમને 19મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં ઉતરાણ કરવાનું હતું. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને ખોટો પ્રચાર થઈ રહ્યો છે.