શામલીઃ યૂપીના શામલીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે. આદર્શમંડી વિસ્તારમાં પંજાબી કોલોનીમાં બદમાશોએ ભજન ગાયક અજય પાઠક, તેની પત્ની સ્નેહા અને દીકરી વસુંધરાની હત્યા કરી છે. અહેવાલ છે કે, ત્રણેયના શબ તેના ઘરમાં લોહીથી લથપથ પડેલા મળી આવ્યા હતા. તેમને મારવા માટે ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ બદમાશો ફરાર થઈ ગયા છે.



કહેવાય છે કે, બદમાશો પહેલા ઘરમાં ઘુસ્યા અને બાદમાં હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બદમાશો અજય પાઠકની કારથી જ તેના દીકરાને લઈને ભાગી ગયા હતા. બાદમાં પાનીપત ટોલ પ્લાઝા પાસેથી દીકરા ભાગવની પણ લાશ મળી આવી હતી. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે અજયનો ભાઈ તેના ઘરે પહોંચ્યો. કંઈક શંકાસ્પદ લાગતા તેણે પોલીસને જાણ કરી. ઘટના પર પહોંચેલ પોલીસે જ્યારે દરવાજો ખોલ્યો તો બધા હેરાન રહી ગયા હતા. મૃતક અજય પાઠક અને તેની પત્નીની લાશ ઉપર પડી હતી જ્યારે તેની દીકરીની હત્યા કર્યા બાદ લાશને નીચે લાવવામાં આવી હતી.

ધોળા દિવસે થયેલ ટ્રિપલ મર્ડર બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. ઘટાની જાણ થયા બાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાદમાં પોલીસે રાંચીની ટીમને ફોન કર્યો અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં પોલીસે ત્રણેયના શબને પોસ્ટમોટર્મ માટે મોકલ્યા છે. પોલીસ અજય પાઠકના મકાન બહાર અને આસપાલ લાગેલ સીસીટીવી ફુટેજ મેળવી રહી છે.