નૌશેરાઃ નવા વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાને પોતાની નાપાક હરકત ચાલુ કરી દીધી છે. પહેલા જ દિવસે એક દુઃખ સમાચાર ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી મળી રહ્યાં છે. આતંકવાદીઓ સામેની અથડામણમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થઇ ગયા છે. આ આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી આવ્યા હતા.

આજે સવારે જમ્મુ-કાશ્મીરમાં એલઓસીની પાસે નૌશેરા સેક્ટરમાં આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ભયંકર અથડામણ થઇ, સામ સામે થયેલા ફાયરિંગમાં બે જવાન શહીદ થયા હતા. પાકિસ્તાનમાંથી આવેલા આતંકીઓ ભારતમાં ઘૂસણવાની કોશિશ કરી રહ્યાં હતા, તે દરમિયાન અથડામણ થયુ હતુ.

સેનાના અધિકારીએ આ અંગે માહિતી આપી હતી, અધિકારીએ કહ્યું કે, આતંકીઓ સાથેની અથડામણ બાદ સેનાએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાએ આતંકીઓને ખારી થરયાટ જંગલમાં તે સમયે રોક્યા જ્યારે તે ભારતમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યાં હતા.


જમ્મુમાં ભારતીય સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે એક નિવેદનમાં કહ્યું કે, નૌશેરા સેક્ટરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ થયુ, અને ભારતીય સેનાના બે જવાનો શહીદ થઇ ગયા હતા. હાલ પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને આ અંગે વધુ માહિતી હજુ સુધી સામે આવી નથી.