Bharat Jodo Yatra: ચીનમાં કોરોના વાયરસ BF.7ના નવા વેરિએંટનો વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક પત્ર લખીને માંગ કરી હતી કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવામાં આવે જેના પછી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામ સામે આવી ગયા છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે કોરોના ક્યાંય છે જ નહીં.
ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, કોરોના ક્યાંય નથી, કોઈ માસ્ક પહેરતું નથી. કોઈને કંઈ થયું નથી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, કોરોના હોય કે જે પણ હોય, અમે આગળ વધીશું. કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, સરકાર જાતિ અને ધર્મના નામે લોકોને વિભાજિત કરી રહી છે અને લોકો પાસેથી વાણી સ્વાતંત્ર્ય પણ છીનવી રહી છે. સારી વિચારધારાના લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ ભારત જોડો યાત્રાથી ડરે છે, તેથી તે કોવિડનું બહાનું કાઢીને આ પ્રકારનો ભય ઉપજાવે છે.
પીએમ મોદી પર સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, તેમણે લગ્ન સમારોહમાં માસ્ક નહોતુ પહેર્યું, પરંતુ માસ્ક પહેરીને સંસદમાં આવ્યા હતા. આ બધું કોરોનાથી લોકોમાં ડર ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. તેઓ આ બધા તિકડમ ભારત જોડો યાત્રાને નિષ્ફળ બનાવવા માટે કરી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે ભારત-ચીન સરહદ વિવાદ પર કહ્યું હતું કે, મોદી સરકાર આ મામલે ચર્ચા કરવાથી દૂર ભાગી રહી છે. તેમણે કહ્યું હતું કે, ચીન આપણા પર હુમલો કરી રહ્યું છે, રાહુલ ગાંધી તેના વિરૂદ્ધ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. અગાઉ નેહરુએ ચીન અંગે ચર્ચા કરી હતી તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ યાત્રામાં અભિનેતા કમલ હાસન પણ જોડાયા
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' ચાલી રહી છે અને અભિનેતા કમલ હાસન શનિવારે આ યાત્રામાં સામેલ થવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો મને પૂછે છે કે હું અહીં કેમ છું. હું અહીં એક ભારતીય હોવાના નાતે છું. મારા પિતા કોંગ્રેસી હતા. મારી જુદી જુદી વિચારધારાઓ હતી અને મેં મારી પોતાની રાજકીય પાર્ટી શરૂ કરી હતી, પરંતુ જ્યારે દેશની વાત આવે છે ત્યારે તમામ રાજકીય પક્ષોની રેખાઓ ધુંધળી પડી જાય છે. મેં તે લાઇનને ધુંધળી બનાવી અને અહીં આવ્યો છું.