Rahul Gandhi Bharat Jodo Yatra : હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફરી એકવાર આગળ વધી રહી છે. દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં પ્રવર્તમાન મોંઘવારી, ખેડૂતોના દેવા અને MSPને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં ખેડૂતોની આવક બમણી નથી થઈ પણ ઘટી છે. ખેડૂતોને MSP દોઢ ગણી નથી મળી પરંતુ તેમને મોંઘવારી જ મળી છે.


રાહુલ ગાંધી આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત હરિયાણા પહોંચ્યા હતાં. અહીંથી તેમણે ખેડૂતોને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. 


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોનમાફીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશમાં લોનમાફી ખેડૂતોને નહીં માત્ર અબજોપતિઓને આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને કાળા કાયદા અને નિકાસ નીતિનો હથિયાર તરીકે ઉપયોગ કરીને ખેડૂતો પર ચારેકોરથી આક્રમણ કર્યું. હું કહેવા માંગુ છું કે, ખેડૂતોને પાછળ છોડીને ભારત આગળ વધી જ ના શકે.


આજે ભારત એક બની રહ્યું છે - રાહુલ ગાંધી


આ પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનું મહત્વ જણાવ્યું હતું. તેમણે કહ્યું, "આજે કરોડો ભારતીયો નફરતના બજારમાં પ્રેમની દુકાનો ખોલી રહ્યા છે. ભારત એક બની રહ્યું છે."


ભારત જોડો યાત્રા આજે કુરુક્ષેત્રથી આગળ વધી


ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ભારત જોડો યાત્રા કરનાલમાં હતી, જે હવે કુરુક્ષેત્ર થઈને પંજાબ તરફ આગળ વધી રહી છે. જ્યારે રાહુલ ગાંધી સમર્થકો સાથે કરનાલના જીટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ કિલોમીટર લાંબો જામ સર્જાયો હતો. તે દરમિયાન પણ રાહુલ ગાંધી આગળ વધતા રહ્યા હતાં. બોક્સર વિજેન્દર સિંહ જ્યારે ભારત જોડો યાત્રામાં જોડાયા ત્યારે કરનાલમાં રાહુલ ગાંધી સાથે કૂચ કરતા જોવા મળ્યા હતા. જ્યારે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા બોક્સર વિજેન્દર સિંહ સાથે રાહુલ ગાંધીની તસવીર જાહેર કરી. સાથે તેમણે લખ્યું હતું કે, "નફરત સામે એક મુક્કો."


'યાત્રા મોંઘવારી, બેરોજગારી, વધતી નફરત વિરુદ્ધ છે'


રાહુલ ગાંધીના સમર્થનમાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આબિદ મીર મેગામીએ કહ્યું હતું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખેડૂતોની ઓછી આવક, મોંઘવારી, બેરોજગારી અને વધતી નફરત વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારમાં વ્યવસ્થા ઘણી કથળી ગઈ છે.