લંડનઃ વિદેશ જવા માટે આતુર ભારતીયો માટે સારા સમાચાર છે. બ્રિટને વિદેશી હેલ્થ સહાયકો અને કેર ટેકર્સ માટે વિઝા નીતિ હળવી બનાવતાં ભારતીયો માટે બ્રિટનના દરવાજા ખૂલી ગયા છે. બ્રિટને ભારત સહિતના દેશોમાંથી આવતા કેરટેકર્સ માટે વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. વિઝા નીતિમાં નિયમો હળવા કરીને ભારે છૂટછાટ આપીને બ્રિટન હજારો હેલ્થ  કેર વર્કર્સની ભરતી કરશે. તેમને મિનિમમ 12 મહિનાના વિઝા આપવામાં આવશે.


આ ઉપરાંત બ્રિટનમાં હેલ્થ કેર સેક્ટરમાં પ્રવર્તી રહેલી સહાયકોની અછતને પહોંચી વળવા બ્રિટને વિદેશી કેરટેકર્સને પણ 12 માસના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતાં બ્રિટનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી વિઝાનીતિથી દેશમાં કેરટેકર્સની અછત દૂર થશે. હળવી વિઝાનીતિના કારણે દેશમાં આવનારા વર્ક ફોર્સથી કેર સેક્ટર્સ પર આવેલું કામનું દબાણ ઘટશે. આ કામચલાઉ વ્યવસ્થા કરીને બ્રિટિશ સરકારે કેર સેક્ટર્સમાં પ્રવર્તી રહેલી કેરવર્કર્સની અછતને દૂર કરવાની દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે.


બ્રિટનમાં બ્રેક્ઝિટ એટલે કે યુરોપીયન યુનિયનમાંથી વિદાય પછી કેર સેક્ટરમાં સહાયકોની અછત વર્તાઈ રહી છે.  યુરોપીયન દેશોમાંથી બ્રિટનમાં રહેતા સહાયકો બ્રેક્ઝિટ પછી સ્વદેશ જતા રહ્યા હતા. તેના કારણે બ્રિટનના હેલ્થ સેક્ટર, સામાજિક સેક્ટર ઉપરાંત ઘરેલું સહાયકોની અછત વર્તાતી હતી. સરકારી ડ્રાઈવરોની પણ ભારે તંગી છે. આ  સંજોગોમાં બ્રિટનની સરકાર કેર સહાયક અને ડ્રાઈવરોની મોટાપાયે ભરતી કરશે.


ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,  કેર સેક્ટરમાં અત્યારે સહાયકોની અછત પ્રવર્તી રહી છે તેથી અસંખ્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અછતને પહોંચી વળવામાં સરકારની નવી વિઝાનીતિ ખૂબ જ અસરકારક સાબિત થશે.


પ્રીતિ પટેલે ઉમેર્યું હતું કે,  નેશનલ હેલ્થ સર્વિસ, ઘરેલું સહાયકો, કેર ટેકર્સમાં વિદેશી નાગરિકો કાર્યરત બનશે તેમને બ્રિટિશ સરકાર પૂરતી સવલતો અને યોગ્ય વાતાવરણ પૂરું પાડશે. ખાસ તો કોરોના મહામારીના કારણે અશક્ત બનેલા વૃધ્ધ બ્રિટિશ નાગરિકો વિદેશી સહાયકોને નોકરી પર રાખી શકશે.