Delhi : દેશની રાજધાની દિલ્હીથી મોટા સમાચાર સામે આવ્યા છે, EDએ દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. ED એ હવાલા કૌભાંડમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરતા AAP સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની દિલ્હીમાં ધરપકડ કરી છે. આ અંગે  ન્યુઝ એજેન્સી ANIના જણાવ્યા અનુસાર કલકત્તા સ્થિત એક કંપની સાથેના હવાલા કૌભાંડમાં સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.






હવાલા કૌભાંડથી  4.81 કરોડ મેળવ્યાંનો આરોપ 
EDની તપાસમાં ખુલાસો થયો છે કે 2015-16 દરમિયાન, જ્યારે સત્યેન્દ્ર કુમાર જૈન જાહેર સેવક હતા અને લાભદાયી રીતે માલિકીની કંપની ધરાવતા હતા ત્યારે તેમણે કલકત્તા શેલ કંપનીઓ સાથે  રોકડ ટ્રાન્સફર કરી હતી અને શેલ કંપનીઓ પાસેથી રૂ. 4.81 કરોડ મેળવ્યાં હતા. 


એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પૈસાનો ઉપયોગ જમીનની સીધી ખરીદી અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો.


મનીષ સિસોદિયાએ આરોપો ફગાવ્યાં 
દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સત્યેન્દ્ર જૈન પરના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી નકલી કેસ ચાલી રહ્યો છે. અત્યાર સુધી EDને અનેક વખત બોલાવવામાં આવ્યા છે. વચ્ચે, EDએ ઘણા વર્ષો સુધી બોલાવવાનું પણ બંધ કરી દીધું કારણ કે તેમને કંઈ મળ્યું ન હતું. હવે ફરી શરૂ થયું કારણ કે સત્યેન્દ્ર જૈન હિમાચલના ચૂંટણી પ્રભારી છે.


સિસોદિયાએ કહ્યું કે હિમાચલમાં ભાજપ ખરાબ રીતે હારી રહી છે. તેથી જ આજે સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે જેથી તે હિમાચલ જઈ શકે નહીં. તેઓ થોડા દિવસોમાં મુક્ત થઈ જશે કારણ કે આ કેસ સંપૂર્ણ રીતે નકલી છે.