નવી દિલ્હી: પોલીસે દિલ્હીમાં એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે ખાલિસ્તાન લિબરેશન ફ્રંટ સાથે જોડાયેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.

આ લોકો દિલ્હી અને વિદેશમાં બેઠેલા પોતાના આકાઓ અને આઈએસઆઈના ઈશારે આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માંગતા હતા. તેમની પાસેથી પિસ્તોલ અને ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ ત્રણેયમાંથી એક આતંકી હાફિઝ સઈદના નજીકના કહેવાતા ગોપાલ સિંહો ચાવલાના સંપર્કમાં પણ હતો

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવની ટીમને એક ગુપ્ત સૂચના મળી હતી, જેમાં માહીતી મળી હતી કે, ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટના આતંકી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માંગતા હતા.

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ડીસીપી સંજીવ યાદવની ટીમે દિલ્હીના હસ્તસાલ વિસ્તારમાંથી મોહિંદર સિંહ નામાના શખ્સની ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. પૂછપરછમાં મોહિંદર સિંહ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરનો છે અને આતંકી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ સાથે જોડાયેલો છે. મોહિંદરની પૂછપરછના આધાર પર પોલીસની સ્પેશિયલ સેલની ટીમે ગુરતેજ સિંહ અને લવપ્રીત સિંહને પણ પંજાબથી ધરપકડ કરી છે. આ ત્રણેય કેએલએફ સંગઠન સાથે જોડાયેલા છે અને આઈએસઆઈ અને પોતાના આકાઓના કહેવાથી દિલ્હી એનસીઆરમાં મોટી આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતા.