Bihar Caste Survey: બિહાર સરકારે સોમવારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો ત્યાર બાદ હોબાળો મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ અનામતને લઈને બિહાર સરકાર પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ જાતિના નામે દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.


PM મોદી સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચ્યા હતા. અહીં તેમણે કોઈપણ પક્ષ કે નેતાનું નામ લીધા વિના કહ્યું કે સત્તામાં રહીને તેઓ વિકાસ સુનિશ્ચિત કરી શક્યા નથી. તેમણે ગરીબોની ભાવનાઓ સાથે રમત રમી છે. પીએમએ કહ્યું કે તે સમયે પણ તેઓ ગરીબોની લાગણીઓ સાથે રમતા હતા અને આજે પણ તેમની સાથે રમી રહ્યા છે. પહેલા પણ તેઓએ જાતિના નામે દેશના ભાગલા પાડ્યા અને આજે પણ તેઓ જાતિના નામે દેશના ભાગલા પાડી રહ્યા છે. પહેલા તેઓ માત્ર ભ્રષ્ટ હતા પરંતુ આજે વધુ ભ્રષ્ટ છે. પીએમ મોદીએ જાતિના નામે દેશને વિભાજીત કરવાના પ્રયાસોને પાપ ગણાવ્યું છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો OBCની ચોક્કસ વસ્તી જાણવા માટે જાતિ આધારિત વસ્તીગણતરી કરાવશે.


બિહાર સરકારે રિપોર્ટ જાહેર કર્યો


બિહાર સરકારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પછાત વર્ગોની વસ્તી સૌથી વધુ છે. રાજ્યની કુલ વસ્તીના 63 ટકા આ વર્ગમાંથી આવે છે. તેમાંથી 27 ટકા વસ્તી પછાત વર્ગોની છે જ્યારે 36 ટકાથી વધુ વસ્તી અતિ પછાત જાતિની છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિના લોકોની સંખ્યા સૌથી ઓછી 21,99,361 છે. જે કુલ વસ્તીના 1.68 ટકા છે. આંકડા કહે છે કે યાદવ એકમાત્ર એવી જાતિ છે જેની વસ્તી રાજ્યમાં 10 ટકાથી વધુ છે.


રાજ્યની 14.26 ટકા વસ્તી માત્ર યાદવ જાતિની છે.


રાજ્યમાં માત્ર ત્રણ જ જ્ઞાતિઓ છે જેની વસ્તી પાંચ ટકાથી વધુ છે. રિપોર્ટ અનુસાર બિહારમાં સૌથી વધુ વસ્તી ધરાવતી જાતિ યાદવ સમુદાયની છે. આ સમાજની  કુલ વસ્તી 1,86,50,119 છે. કુલ વસ્તીમાં તેમનો હિસ્સો 14.26 ટકા છે. રિપોર્ટમાં યાદવ જાતિમાં ગ્વાલા, આહીર, ગોરા, ઘાસી, મેહર, સદગોપ, લક્ષ્મી નારાયણ ગોલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી દુસાધ એ સૌથી વધુ સંખ્યા ધરાવતી જાતિ છે જે દલિત પાસવાન સમુદાય સાથે જોડાયેલી છે. તેમની કુલ વસ્તી 69,43,000 છે. કુલ વસ્તીમાં તેમનો હિસ્સો લગભગ 5.31 ટકા છે. સરકારે દુધાસ જ્ઞાતિમાં દુસાધ, ધારી, ધરહીનો લ્લેખ કર્યો છે.


અધિક મુખ્ય સચિવ વિવેક સિંહે કહ્યું કે 1 જૂન, 2022ના રોજ સર્વપક્ષીય બેઠકમાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, 2 જૂન, 2022 ના રોજ રાજ્ય મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલા નિર્ણયના આધારે, ફેબ્રુઆરી 2023 સુધીમાં રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું