પટના: બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને 6 હજાર રૂપિયાની રકમ તેમના ખાતામાં જ ચૂકવવામાં આવી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે તેની શરૂઆત કરી હતી. પ્રથમ તબક્કામાં 302329 પરિવારોને 1,81,39,74,000 રૂપિયા તેમના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે. આ રકમ તેમને 48 કલાકમાં મળી જશે. લાભાર્થિઓના ખાતામાં રકમ મોકલ્યા બાદ તેમને મેસેજ કરી જાણ કરવામાં આવી રહી છે. બાકી રહેલા પૂર પ્રભાવિત પરિવારોના ચકાસણીનું કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.


જે મુજબ, મુઝફ્ફરપુરમાં 6855, અરરિયામાં 42441, દરભંગામાં 67028, કિશનગંજમાં 3724, મધુબનીમાં 35222, પૂર્વ ચંપારણ 31190, પૂર્ણિયામાં 20738, સહરસામાં 4967, શિવહરમાં 8861, સીતામઢીમાં 77457 અને સુપૌલમાં 3846 પ્રભાવિત પરિવારોની ચકાસણી કરી સહાયતાની રકમ મોકલવામાં આવી હતી.

રાજ્યના 12 જિલ્લાઓ શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, મુઝફ્ફરપુર, સહરસા, કટિહાર અને પૂર્ણિયામાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. શુક્રવાર સવારના 10 વાગ્યા સુધીમાં મળેલી જાણકારી મુજબ 12 જિલ્લાના 97 પ્રખંડોના અંતર્ગત પંચાયતોમાં આશરે 13 લાખ 20 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત છે.

બિહારમાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. સીતામઢીમાં સૌથી વધારે 18, મધુબનીમાં 14, અરરિયામાં 12, શિવહર, દરભંગામાં 9-9 લોકોના મોત થઈ ચૂક્યા છે. બિહારમાં પૂર અને વરસાદના કારણે આશરે 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂર પ્રભાવિત બિહારના 12 જિલ્લામાં રાજ્ય સરકારે 1119 રાહત કેંપ લગાવ્યા છે. બિહારમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમો તૈનાત કરવામાં આવી છે.