પટનાઃ બિહારમાં આજથી 31 જુલાઈ સુધી લોકડાઉ લાદવામાં આવ્યું છે. જેના કારણે મોટાભાગના રસ્તા સુના થઈ ગયા છે. માત્ર જરૂરી કામથી જ લોકો બહાર નીકળી રહ્યા છે. પોલીસ પણ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે.

રાજ્યના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ કહ્યું, કોરોના વાયરસના સંક્રમણને જોતાં રાજ્યમાં 16 થી 31 જુલાઈ સુધી લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. સુશીલ કુમાર મોદીએ જણાવ્યું કે, કોરોના મહામારીની ન કોઈ દવા છે કે ન રસી. તેની બચવાનો માત્ર એક જ રસ્તો છે, આપણે બધા ચહેરા પર માસ્ક કે રૂમાલ બાંધવાનું ન ભૂલીએ.



શું ખુલ્લુ રહેશે અને શું બંધ

- ખેતીવાડી અને કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને છૂટ રહેશે.
- મંદિર, મસ્જિદ સહિતના તમામ ધર્મસ્થાનો બંધ રહેશે.
- ઈમરજન્સી સેવાને બાદ કરતાં પરિવહન સેવા, શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો પૂરી રીતે બંધ રહેશે.
- શાકભાજી અને ફળની દુકાનો સવારે અને સાંજે નિશ્ચિત સમયમાં ખુલશે.
- રાજ્યની સરહદો પૂરી રીતે સીલ રહેશે.
- તમામ કોમર્શિયલ અને પ્રાઇવેટ સંસ્થાઓ બંધ રહેશે. માત્ર ફળ, શાકભાજી, અનાજ, દૂધ, મીટ શોપ ખોલી શકાશે. તંત્ર દ્વારા તેની હોમ ડિલિવરીની શક્ય તમામ વ્યવસ્થા પ્રયાસ કરશે.
- કોર્ટ-કચેરી દિશા નિર્દેશો મુજબ ચાલુ રહેશે.
- માલવાહક ગાડીઓ ચાલુ રહેશે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ રહેશે પરંતુ ઓટો ટેક્સી, હાથ રિક્ષા શરૂ રહેશે.
- આવશ્યક કામ માટે પાસની જરૂર નહીં પડે. બેંક, એટીએમની સુવિધા પહેલાની જેમ જ શરૂ રહેશે.
- ભારત સરકાર દ્વારા નિર્દેશિત ટ્રેન અને હવાઈ યાત્રા ચાલુ રહેશે.
- સરકારી ઓફિસ બંધ રહેશે. જ્યારે રક્ષા, સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ, ટ્રેઝરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર જનરેશન યૂનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટરને છૂટ રહેશે.
- રાજ્ય પોલીસ, હોમ ગાર્ડ, ફાયર બ્રિગેડ, ઈલેક્ટ્રિસિટી, વોટર સપ્લાઇ, સેનિટેશન, ફૂડ એન્ડ સિવિલ સપ્લાઇને છૂટ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20612 પર પોહંચી છે અને 180 લોકોના મોત થયા છે. 13,462 લોકો સાજા થઈ ગયા છે અને 6,970 એક્ટિવ કેસ છે.