નવી દિલ્હીઃ બિહારમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. આ વખતે લોકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યું છે. ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ વિભાગે આદેશ જાહેર કર્યો હતો. જેમાં કોરોનાને અટકાવવા 30 જુલાઈના રોજ લાગુ કરવામાં આવેલો આદેશ જ પ્રભાવી રહેશે.

જૂનો આદેશ 16 ઓગસ્ટ સુધી જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ બિહારમાં ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવશે. કોઈપણ પ્રકારના ભીડભાડવાળા ધાર્મિક, રાજકીય, સામાજિક કે સાંસ્કૃતિક આયોજનો પર રોક રહેશે. બસ  સેવાઓ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

જોકે નવા આદેશમાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. જે અંતર્ગત વ્યવસાયિક અને ખાનગી ઓફિસો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા પણ 33 થી વધારીને 50 ટકા કરી દેવામાં આવી છે. પાર્ક, જીમ અને શૈક્ષણિક સંસ્થાઓ પહેલાની જેમ જ બંધ રહેશે.



બેંક, આઈટી અને સંબંધિત સેવાઓ, પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, ઈન્ટરનેટ, ટેલીફોન, ઈ કોમર્સ, પેટ્રોલ પંપ, વીજળી ઉત્પાદન, કરિયાણાની દુકાન, દૂધ અને કૃષિ ઉત્પાગન સંબંધિત દુકાનો તથા સેવાઓને છૂટ આપવામાં આવી છે. માત્ર હોમ ડિલિવરીના વિકલ્પ સાથે રેસ્ટોરાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ અને ઈમરજન્સી સેવાઓને લોકડાઉન પ્રતિબંધ લાગુ નહીં થાય.

બિહારમાં કોરોનાના 31,059 એક્ટિવ કેસ છે. રાજ્યમાં 72,324 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે, જ્યારે 461 લોકોના મોત થયા છે.



સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 26,47,664 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 50,921 થયો છે. દેશમાં હાલ 6,76,900 એક્ટિવ કેસ છે અને 19,19,843 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,982 નવા કેસ નોંધાયા છે અને 941 લોકોના મોત થયા છે.