Bihar News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રવિવાર (16 નવેમ્બર) ના રોજ બેઠકો ચાલુ રહી હતી. ચૂંટણી પંચે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને તમામ 243 ધારાસભ્યોની યાદી સુપરત કરી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે સોમવારે (17 નવેમ્બર) કેબિનેટ બેઠક બોલાવી છે.

Continues below advertisement

મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે સવારે 11:30 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે, જ્યાં કેબિનેટ ભંગ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. કેબિનેટ બેઠક પછી તરત જ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરશે. ત્યારબાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

બિહાર સરકારના કેબિનેટ સચિવાલય વિભાગ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નીતિશ સરકારના વિશેષ સચિવ અરવિંદ કુમાર વર્મા દ્ધારા જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે નિર્દેશ મુજબ, મંત્રી પરિષદ 17 નવેમ્બર, સોમવાર, 11:30 વાગ્યે પટનાના મુખ્ય સચિવાલય ખાતેના મંત્રીપરિષદમાં મળશે.

Continues below advertisement

પત્રમાં જણાવાયું છે કે બિહારના માહિતી અને જનસંપર્ક વિભાગના નિયામકને વિનંતી છે કે તેઓ કેબિનેટ બેઠક પછી માહિતી ભવનના ઓડિટોરિયમ ઉપલબ્ધ કરાવીને પ્રેસ કોન્ફરન્સ માટે યોગ્ય વ્યવસ્થા કરે.

ગાંધી મેદાન જાહેર જનતા માટે બંધ

અગાઉ, પટનાના જિલ્લા મેજિસ્ટ્રેટે પટનાના ગાંધી મેદાનને ચાર દિવસ માટે બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 17 થી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાનમાં પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. શપથ ગ્રહણ સમારોહ ત્યાં થવાની સંભાવના છે, તેથી જિલ્લા મેજિસ્ટ્રેટે ગાંધી મેદાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

શપથ ગ્રહણ સમારોહની તારીખ જાહેર

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 19 અથવા 20 નવેમ્બરના રોજ થઈ શકે છે. આ સમારોહ ગાંધી મેદાનમાં યોજાશે, જ્યાં પીએમ મોદી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

22 નવેમ્બર પહેલા નવી સરકારની રચના કરવી જરૂરી છે. વર્તમાન 17મી વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. તે પહેલાં, નવી (18મી) વિધાનસભાની રચના અને નવી સરકારના શપથ ગ્રહણની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવી આવશ્યક છે. જોકે, શપથ ગ્રહણ તારીખ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, NDAએ 202 બેઠકો જીતીને ઐતિહાસિક રીતે બિહારમાં સત્તા જાળવી રાખી હતી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો અને JDU 85 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે.