પટનાઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પવન સાથે ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ હતી. બિહારમાં અનેક સ્થળોએ વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
બિહારના પટના, ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી, મુંગેર, જમુઈ, કટિહાર, કિશનગંજ, જહાનાબાદ જેવા જિલ્લાઓમાં આંધી સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રેલવે ટ્રેક અને માર્ગ પર વીજળીના થાંભલા તેમજ વૃક્ષો તૂટી જતા ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાથી મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ-પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની આગાહી કરી હતી. ઉત્તર ભારતના અનેક સ્થળોએ પણ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને તોફાનની શક્યતા છે. જેથી ઉત્તર ભારતના વાતાવરણમાં પણ ભેજ અને ઠંડકનો અનુભવ થશે. સાથે જ આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. આ રાજ્યો સાથે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં તેજ હવા ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહની શરૂઆતમાં કેરળમાંથી દક્ષિણ-પશ્વિમનું ચોમાસું બેસશે અને એ સમયે ઉત્તર ભારતનું વાતાવરણ પણ બદલાશે એટલે દેશભરમાં તાપમાનનો પારો ગગડશે અને લોકોને ગરમીમાં રાહત મળશે.