Prashant Kishor Big Statement: રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે અને જો સ્થિતિની માંગ હેશે તો તે પાર્ટી સાથે ફરીથી જોડાણ કરશે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) એ પ્રશાંત કિશોરની ટિપ્પણીને નકારી કાઢતાં તેને ભ્રામક ગણાવી છે અને કહ્યું કે તેમનો હેતુ ભ્રમ ફેલાવવાનો છે.


પ્રશાંત કિશોર આ દિવસોમાં બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમની આ મુલાકાતને સક્રિય રાજકારણમાં જોડાવાના પ્રથમ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તેમણે પીટીઆઈને જણાવ્યું કે, નીતિશ કુમારે JD(U) સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ મારફત ભાજપ સાથે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. આ સંદર્ભે તેમના જવાબ માટે હરિવંશને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ તેમની પાર્ટીએ દાવાને નકારી કાઢ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, નીતિશ કુમાર ફરી ક્યારેય ભાજપ સાથે હાથ મિલાવે નહીં.


ભ્રમ ફેલાવા માટે કરવામાં આવી ટિપ્પણીઃ JDU


અહીં જેડીયુએ પ્રશાંત કિશોરના નિવેદનને નકારી કાઢતાં કહ્યું અને પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, નીતિશ કુમારે સાર્વજનિકમાં જાહેરાત કરી છે કે તેઓ તેમના જીવનમાં ફરી ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે. ત્યાગીએ કહ્યું, 'અમે તેમના (પ્રશાંત કિશોર)ના દાવાને નકારીએ છીએ. નીતિશ કુમાર 50 વર્ષથી સક્રિય રાજકારણમાં છે જ્યારે કિશોર છ મહિનાથી સક્રિય થયા છે. પ્રશાંત કિશોરે ભ્રમ ફેલાવવા માટે આવી ભ્રામક ટિપ્પણી કરી છે."


જણાવી દઈએ કે, પ્રશાંત કિશોરે 2 ઓક્ટોબરે પશ્ચિમ ચંપારણના ભીતિહરવા સ્થિત ગાંધી આશ્રમથી તેમની પદયાત્રા શરૂ કરી છે. સિસ્ટમમાં 'પરિવર્તન' માટે લોકોને સમર્થન આપવા તેઓ આગામી 12-15 મહિનામાં 3,500 કિમીની મુસાફરી કરશે.


તમને જણાવી દઈએ કે, હાલ બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળની (RJD) સરકાર છે. થોડા મહિના પહેલાં નીતિશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને આરજેડી સાથે સરકાર બનાવી છે. જેમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીની યાદવ ડે. સીએમ છે. નીતિશ કુમારે એ સમયે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું.