પટના: રાજ્યસભા સાંસદ અને મુખ્યમંત્રી નીતીશ કુમારની નજીકના નેતા આરસીપી સિંહને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આરસીપી સિંહ નીતીશ કુમારની જગ્યા લેશે. આ બેઠકમાં આરસીપી સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ નીતીશ કુમારે આપ્યો, જેની સર્વસમ્મતિથી તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું.

રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે, એક સાથે બે પદ સંભાળવા સરળ નથી. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ બંનેની ભૂમિકા એક સાથે નીભાવવી સરળ નહોતી. નીતિશ કુમારે આરસીપી સિંહના નામનો પ્રસ્તાવ રાખ્યો અને પછી બાકીના તમામ સભ્યોએ આનું સમર્થન કર્યું.



આરસીપી સિંહને નીતિશ કુમારના ઘણા જ નજીકના માનવામાં આવે છે. બિહાર ચૂંટણી દરમિયાન પણ અનેક વિષયોને લઇને નીતિશ કુમાર તેમની સાથે સલાહ-મંત્રણા કરતા હતા. નીતિશ કુમાર પહેલા પણ અનેક વાર આરસીપી સિંહને પાર્ટી નેતૃત્વ આપવાની વાત કહી ચુક્યા હતા.

આરસીપી સિંહનું પુરુ નામ રામચંદ્ર પ્રસાદ સિંહ છે. તેઓ બિહારથી રાજ્યસભા સાંસદ છે. નીતિશ કુમારના જિલ્લા નાલંદાના રહેવાસી આરસીપી સિંહ પહેલા યૂપી કેડરમાં આઈએએસ અધિકારી હતા અને તેઓ નીતિશ સરકારમાં પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચુક્યા છે.