જો તમને તમારા ઘરમાં વીજળી સપ્લાય કરતી કંપનીની સેવાઓ પસંદ નથી અથવા તમારા ઘરનું વીજળી બિલ ઉંચુ આવે છે તો આવનારા સમયમાં તમે મોબાઇલ ઓપરેટર કંપનીઓની જેમ તમારી પાવર સપ્લાય કરતી કંપની પણ બદલી શકશો. સરકાર આ અંગે બહુ જલદી સંસદમાં બિલ લાવી શકે છે.


બિલ ચોમાસુ સત્રમાં આવશે


કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર આ વર્ષે ચોમાસુ સત્રમાં ઇલેક્ટ્રિસિટી (સુધારણા) બિલ-2021 લાવી શકે છે. આ બિલ લોકોને ઘણી પાવર કંપનીઓમાંથી એકની પસંદગી કરવાની સ્વતંત્રતા આપશે, જેમ કે અત્યારે મોબાઈલ ઓપરેટરોમાં છે. સિંહે ઈન્ડિયા એનર્જી ટ્રાન્સમિશન સમિટ-2022ને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. આ કોન્ફરન્સનું આયોજન FICCI દ્વારા કરવામાં આવ્યું હતું. આ વખતે ચોમાસું સત્ર જૂલાઈના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.


બજારમાં સ્પર્ધા વધશે


આ બિલ લાવવાનો હેતુ વીજ વિતરણના વ્યવસાયને લાયસન્સ મુક્ત કરવાનો છે. તેનાથી માર્કેટમાં સ્પર્ધા વધશે. એટલું જ નહીં, આ બિલનો હેતુ ગ્રાહકોના હિતમાં ઇલેક્ટ્રિસિટી એપેલેટ ટ્રિબ્યુનલ (APTEL)ને મજબૂત કરવાનો પણ છે. આ માટે સરકાર દરેક વીજળી આયોગમાં કાયદાની પૃષ્ઠભૂમિમાંથી આવતા સભ્યની નિમણૂક કરશે. તે ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓને પણ વ્યાખ્યાયિત કરશે.


પવન ઉર્જા ખરીદવી જરૂરી રહેશે


મંત્રીએ કહ્યું કે પાવર કંપનીઓને સ્વચ્છ ઊર્જા ખરીદવા માટે કહેવામાં આવશે. તેમજ પવન ઊર્જાની ખરીદી માટે અલગ પ્રતિબદ્ધતા નક્કી કરાશે. આ સિવાય મંત્રાલયે અરુણાચલ પ્રદેશમાં 30,000 મેગાવોટનો હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ 5 હાઈડ્રો પાવર પ્રોજેક્ટ શરૂ થવાના છે.