Tamil Nadu Bipin Rawat Helicopter Crash: તમિલનાડુના કૂનૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે ભારત સરકાર સંસદમાં આવતી કાલે સત્તાવાર માહિતી આપી શકે છે, તેમ ન્યૂઝ એજન્સી એએનાઇએ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે. આ દુર્ઘટના પર કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભાજપ નેતા અને મંત્રી નીતિન  ગડકરી અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત નેતાઓએ દુખ વ્યક્ત કર્યું  અને ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના કરી હતી.


કોગ્રેસ  નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે હેલિકોપ્ટરમાં  સવાર સીડીએસ જનરલ  બિપિન  રાવત, તેમના પત્ની અને અન્ય લોકો સુરક્ષિત હોય તેવી આશા કરું છું. તેઓ જલદી સ્વસ્થ થઇ જાય તે  માટે પ્રાર્થના કરું છું.






કેન્દ્રિય  પરિવહન  મંત્રી નીતિન ગડકરીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું  હતું.  તેમણે ટ્વિટમાં કહ્યું કે સીડીએસ જનરલ બિપિન  રાવતજીને લઇને  જઇ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટના થયાના  સમાચાર જાણી દુખી છું. તમામ સુરક્ષિત હોય તે માટે  પ્રાર્થના કરું છું.


 






મમતા બેનર્જીએ ટ્વિટમાં લખ્યું કે કુનુરથી દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. આજે  આખો દેશ સીડીએસ બિપિન  રાવત અને  તેમના પત્ની સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો માટે  પ્રાર્થના કરી રહ્યો છે, જે લોકો ઇજાગ્રસ્ત હોય તેઓ જલદી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના.