હિમાચલ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લુની દહેશત છવાઈ છે. હિમાચલ પ્રદેશમાં એક પછી એક 1500થી વધુ પ્રવાસી પક્ષીઓના મૃત્યુ થયા છે. જેમના મૃત્યુનું કારણ બર્ડ ફ્લુ હોવાનું લેબોરેટરીમાં તપાસમાં ખુલ્યુ છે.


આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં પણ ભેદી રીતે મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુથી દહેશતનો માહોલ છવાયો છે. હિમાચલમાં એક કિલોમીટર વિસ્તારને બ્લોક કરી દેવાયો છે. પોંગ ડેમ જતા પ્રવાસીઓ પર કલેક્ટરે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.

વન વિભાગનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ પ્રશાસને કાર્યવાહી કરી છે. ભોપાલથી આવેલા રિપોર્ટની અંદર તમામ પક્ષીઓમાં H5N1 એવિયન ઇનફ્લુંજા વાયરસ મળ્યો છે.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 300 કિમી દૂર આવેલા પોંગ તળાવમાં આ પ્રવાસી પક્ષીઓ માટે અભિયારણ્ય બનાવવામાં આવ્યું છે. જ્યાં દર વર્ષે સાઇબેરિયા અને મધ્ય એશિયાના ઠંડા વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ ફેબ્રુઆરી – માર્ચ સુધી રહે છે. ત્યારબાદ આ પક્ષીઓ પરત ફરે છે.

સાથે જ કાંગરા જિલ્લામાં તમામ કતલખાનાને પણ બંધ કરવાના કલેક્ટરે આદેશ સાથે માંસના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. માછલી, ઈંડા, માંસ, મરઘા વગેરેની નિકાસ પર પણ તાત્કાલીક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.