નવી દિલ્લીઃ બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડૂ સરકારમાં સમાવેશ થવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય વિધાનસભામાં ભાજપના નેતા તામિયા તાગાને જલ્દી ખાંડૂ કેબિનટમાં જગ્યા આપી શકે છે.

આ સાથે અરુણાચલ પ્રદેશ 14 મું એવું રાજ્ય બની ગયું છે કે જ્યાં બીજેપીનું શાસન હશે. તેમજ આ 6 એવું રાજ્ય છે જ્યાં બીજેપી કોઇ પ્રાદેશિક પક્ષ સાથે મળીને સરકાર બનાવી હોય.

ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ખાંડૂએ નવી દિલ્લીમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે ભાજપને સતામાં શામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ખાંડૂ સહિત 43 ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને પીપુલ્સ પાર્ટી ઑફ અરુણાચલ પ્રદેશ (પીપીએ)માં શામેલ થઇ હતી. વિધાનસભામાં કૉંગ્રેસના 44 ધારાસભ્યો હતા. પીપીએ અરુણાચલ પ્રદેશમાં ભાજપ સાથે સંગઠન કરશે. હાલમાં 60 વિધાનસભા ધરાવતી અરુણાચલ પ્રદેશમાં પીપીએ પાસે 43, ભાજપ પાસે 11 અને કૉંગ્રેસ પાસે 1 ધારાસભ્ય છે. બે અપક્ષ છે. તો ત્રણ સીટ ખાલી છે.