ચંડીગઢઃ પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ ભલે પાકિસ્તાન તરફથી કરતારપુર કોરિડોર યોજનાને લઇને પ્રશંસા કરી રહ્યા હોય પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે કરતારપુર કોરિડોરને આઇએસઆઇનો ગેમ પ્લાન ગણાવ્યો હતો. કેપ્ટન અમરિંદર સિંહે દાવો કર્યો હતો કે, કરતારપુર કોરિડોર પાકિસ્તાની સૈન્યનું એક મોટું કાવતરું છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ઇમરાન ખાનના વડાપ્રધાન બન્યા અગાઉ જ સિદ્ધુની સામે કરતારપુર કોરિડોર ખોલવાની વાતનો ખુલાસો કરી દીધો હતો. સતાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પંજાબમાં આતંકવાદને ફરીથી ઉકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે આપણે તમામે પાકિસ્તાનની પહેલથી સાવધાન રહેવું જોઇએ. અમરિંદરે કહ્યું કે, કરતારપુર કોરિડોર ખોલવાની વાત ભાગલા બાદથી પેન્ડિંગ હતી કારણ કે પવિત્ર શીખ ધાર્મિક સ્થળ પાકિસ્તાનમાં રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને ડો મનમોહનસિહે પણ કરતારપુર કોરિડોર ખોલવાનો મુદ્દો પાકિસ્તાની વડાપ્રધાન સમક્ષ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધી તેમના કેપ્ટન છે તેવા સિદ્ધુના નિવેદન પર તેમણે કહ્યું કે આ મુદ્દો ઉઠાવવાને લાયક નથી કારણ કે સિદ્ધુએ તેમને હંમેશા પિતાની જેમ માને છે.