નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર હવે રાજકારણ રમાવવાનું શરૂ થઇ ગયુ છે. અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘૂસણખોર ગણાવ્યા હતા. હવે આ મામલે બીજેપીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે.

બીજેપીએ કહ્યું કે, કોંગ્રેસીઓ વડાપ્રધાનને બાહરી અને ઇમરાન-બાજવાને પોતાના માને છે. એટલુ જ નહીં બીજેપી નેતા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, અધીર રંજન ચૌધરીને સારવારની જરૂર છે.

જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, આ નિવેદનથી ખબર પડે છે કે અધીર રંજન ચૌધરીનુ મગજ સડી ગયુ છે, કોંગ્રેસી નેતાના મગજની સારવારની જરૂર છે, તેમને તાત્કાલિક ધોરણે માનસિક સારવાર આપવી જોઇએ. તેમને કહ્યું કે કોંગ્રેસી નેતાના આવા આપત્તિજનક નિવેદનના કારણે સોનિયા ગાંધીએ વડાપ્રધાન, ગૃહમંત્રીની માફી માંગવી જોઇએ.

અધીર રંજન ચૌધરીએ શું કહ્યું હતું?
દેશભરમાં એનઆરસી લાગુ કરવાને લઇને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ હિન્દુસ્તાન કોઇની જાગીર નથી. અમિત શાહ, નરેન્દ્ર મોદી ખુદ પોતે ઘૂસણખોર છે. કોંગ્રેસી નેતાએ કહ્યું કે એનઆરસીના કારણે દેશભરમાં લોકો ડરેલા છે. અધીર રંજને કહ્યું કે, હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ખુદ ઘૂસણખોર છે, તેમનુ ઘર ગુજરાત છે અને આવી ગયા છે અહીં દિલ્હી, તમે ખુદ માઇગ્રન્ટ છો.