પ્રધાનમંત્રી મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળમાં કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણની શરૂઆત વંદે માતરમના નારા સાથે કરી હતી. બાદમાં પીએમ મોદીએ કહ્યું, મે ઘણી રેલીઓ સંબોધિત કરી છે. પરંતુ આટલા મોટા જનસમૂહનું દ્રશ્ય આજે જોવા મળ્યું છે. હેલિકોપ્ટરમાંથી તો મેદાનમાં જગ્યા જ નહોતી જોવા મળતી. પીએમ મોદીએ કહ્યું બંગાળની ધરતીએ ભારત દેશને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. આઝાદીની લડાઈમાં બંગાળનું ખાસ મહત્વ રહ્યું છે. બંગાળની ધરતીએ આઝાદીની લડાઈમાં નવા પ્રાણ ફૂંક્યા હતા.




પીએમ મોદીએ કહ્યું કે બંગાળથી આવેલ મહાન વ્યક્તિત્વોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સશક્ત કરી. બંગાળની આ ધરતીએ એક વિધાન, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનાર સપૂત આપનાર ધરતી છે.આવી પાવન ધરતીને હું નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતીએ આપણા સંસ્કારોને ઉર્જા આપી છે, બંગાળની ધરતી એ જ્ઞાન-વિજ્ઞાનમાં ભારતને ગૌરવ અપાવ્યું. મમતા દીદીએ બંગાળની સાથે દગો કર્યો છે.



પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંગાળમાં પરિવર્તન માટે મમતા દીદી પર વિશ્વાસ મુક્યો હતો, પરંતુ તેમણે અને તેમના લોકોએ આ વિશ્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો, બંગાળનું અપમાન કર્યું, અહીંની બહેન દીકરીઓ પર અત્યાચાર કર્યા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ટીએમસી છે લેફ્ટ-કોંગ્રેસ છે, તેમનું બંગાળ વિરોધી વલણ છે.અને બીજી તરફ ખુદ બંગાળની જનતા કમર કસીને ઉભી છે. બ્રિગેડ ગ્રાઉન્ડ પર ઉમટી ઉઠેલા લોકજુવાળ પર પીએમ મોદીએ કહ્યું કે આજે બ્રિગેડ ગ્રાઉન્ડમાં તમારા લોકોનો હુંકાર સાંભળ્યા બાદ હવે કોઈ શંકા નથી રહી. કેટલાંક લોકોને તો લાગતું હશે કે 2 મે આવી ગઈ છે.

પીએમ મોદીએ કહ્યું કે બંગાળમાં 4 કરોડ કરતા વધારે જન ધન ખાતા ખુલ્યા છે, જેમાંથી અડધાથી વધારે ખાતા મહિલાઓના છે. અમે જ્યારે મુદ્રા લોન આપી નવા અવસરની તક ઉભી કરી, તો તેનો લાભ લેનારામાં પણ 75 ટકા મહિલાઓ જ છે.



રેલીમાં પોતાની ગરીબીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હું પણ ગરીબીમાં નાનો-મોટો થયો એટલે તેમનું દુખ શું છે, પછી તે ભલે હિંદુસ્તાનના કોઈપણ ખુણામાં કેમ ન હોય, કારણ કે તે આપણા મિત્રો છે, હું તેનો અનુભવ કરી શકુ છું. તેમણે કહ્યું કે એટલે હું મિત્રો માટે કામ કરુ છુ અને હું મિત્રો માટે કામ કરતો રહીશ.