ચંદીગઢ: નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થઈ ગયા છે. ખેડૂતો કાયદા પરત લેવાની માંગ પર અડગ છે. સાથે ખેડૂત નેતાઓએ કહ્યું કે, તેઓ સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે પરંતુ વાતચીત વગર શરતે થવી જોઈએ. બીજી તરફ સરકારનું કહેવું છે કે, આંદોલનકારી ખેડૂતોની ભાવનાઓનું સન્માન કરતા કૃષિ કાયદામાં સુધારો કરવા તૈયાર છે.


કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર આંદોલનકારી ખેડૂતોની ભાવનાઓનું સન્માન કરતા કૃષિ કાયદામાં સુધારો કરવા તૈયાર છે. પરંતુ અન્નદાતાનું અહિત કરી રાજકીય ઈરાદા પૂરા કરવું યોગ્ય નથી. આ ઉપરાંત તેમણે કૃષિ-અર્થવ્યવસ્થાની કિંમત પર આ મુદ્દાને લઈ રાજનીતિ કરવા અને ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડવા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.



તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નિર્દેશ પર મે કૃષિ મંત્રી હોવાના નાતે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે 12 વખત લાંબી ચર્ચા કરી છે. અનેક જરુરી વિષયો પર સંશોધનનો પ્રસ્તાવ પણ આપ્યો. લોકસભા અને રાજ્યસભામાં પણ મે સરકારનો પક્ષ મુક્યો પરંતુ એક પણ સભ્યએ કૃષિ સુધારા બિલ પર કોઈ મુદ્દા પર વાંધો કે તેમાં શું કમી છે, તે જણાવ્યું નથી.