નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર યથાવત છે. તેની વચ્ચે દિલ્હી સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પર વેક્સિનના સપ્લાય પર લગાવવામાં આવેલા આરોપ બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સ્પષ્ટતા કરી છે. સંબિત પાત્રાએ કહ્યું કે, દિલ્હી સરકાર જનતામાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ફ્રીમાં 6.5 કરોડ વેક્સિનના ડોઝ અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા.
પાત્રાએ કહ્યું કે, ‘11,મે 2021 સુધી લગભગ 6.63 કરોડ વેક્સિનના ડોઝ ભારતની બહાર મોકલવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 1 કરોડ 7 લાખ વેક્સિન મદદ તરીકે મોકલવામાં આવી છે. બાકીની 84 ટકા લાયબેલિટી તરીકે મોકલવામાં આવી છે જે તમારે કરવાની જ હતી પછી તે કોઈની પણ સરકાર હોય.’
તેમણે વધુમાં જણાવ્યું કે, એસ્ટ્રાજેનેકાનું લાયસન્સ મળ્યા બાદ જ ભારતમાં કોવિશીલ્ડ વેક્સીનનું નિર્માણ થઈ રહ્યું છે. તેમાં WHO કોવેક્સ ફેસિલિટીનો મોટો હાથ છે. આ કરારમાં તમામ દેશોના હસ્તાક્ષર કરેલા હતા. તેના હેઠળ 30 ટકા એક્સપોર્ટ વેક્સીન કરવું અનિવાર્ય છે. જો આપણે આ કરાર નહીં કરતા તો વેક્સિનેશનની સુવિધા આપણને ભારતમાં મળતી નહીં.
દિલ્હી સરકાર સતત કેન્દ્ર પાસે વેક્સિનની ફોર્મૂલા માંગી રહી છે. જેથી બીજી અન્ય કંપનીઓ ઉત્પાદન કરી શકે. તેના પર સંબિત પાત્રાએ કહ્યું કે, આ કોઈ એવો ફોર્મૂલા નથી કે કોઈને પણ આપી દેવાય અને તેણે ઘરમાં વેક્સિન બનાવી લીધી અથવા કોઈ પણ કંપની પોતાના ઘરમાં વેક્સિન બનાવી લે. તેની પાછળ ઘણા વિષય હોય છે. કોવિશિલ્ડ પાસે ભારતનું લાયસન્સ નથી. તેનું લાયસન્સ એસ્ટ્રાજેનેકાની પાસે છે. એસ્ટ્રાજેનેકાએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને વેક્સિન બનાવવી મંજૂરી આપી છે. આ કંપની ભારતમાં અન્ય કોઈ કંપનીને ફોર્મૂલા આપી નહીં શકે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 33 લાખ 40 હજાર 938
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 93 લાખ 82 હજાર 642
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 04 હજાર 099
- કુલ મોત - 2 લાખ 54 હજાર 197