નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર બાદ ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં ઝટકો લાગ્યો છે. ઝારખંડમાં 18 વર્ષો સુધી ભાજપ સાથે ગઠબંધન કરનાર ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયને ગઠબંધન (AJSU) તોડવાનો નિર્ણય લીધો છે. હવે ભાજપ ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં એકલા મેદાનમાં ઉતરશે. 53 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકેલી ભાજપ બાકીની 27 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારી કે છે. જ્યારે એક અપક્ષ ઉમેદવારનું પાર્ટી સમર્થન કરશે. નોંધનીય છે કે ભાજપ અને આજસૂ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને સહમતિ બની શકી નહોતી ત્યારબાદ પાર્ટીએ ગુરુવારે નિર્ણય લીધો હતો કે ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડશે.
ભાજપે રાજ્યની કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 53 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે જ્યારે આજસૂએ પણ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજસૂથી અલગ થનાર ભાજપ ઝારખંડમાં એકલી જોવા મળી રહી છે. આ કારણ છે કે આ ચૂંટણીમાં સત્તા ધારી એનડીએ પુરી રીતે વિખેરાઇ ગઇ છે. બિહારમાં ભાજપ સાથે મળીને સરકાર ચલાવનાર જેડીયુ અહી એકલા હાથે ચૂંટણી લડી રહી છે જ્યારે કેન્દ્ર સરકારમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીએ પણ બેઠકોની વહેંચણી મુદ્દે નારાજ થઇને 50 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.