ચંદીગઢ: હરિયાણામાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો. મનોહર લાલ ખટ્ટર સરકારમાં ભાજપના 8, જનનાયક જનતા પાર્ટીના એક ધારાસભ્ય સહિત કુલ 10 મંત્રીઓએ શપથ લીધા હતા. ખટ્ટર સરકારના મંત્રીમંડળમાં એક અપક્ષ ધારાસભ્યને પણ સામેલ કરવામાં આવ્યો છે. મંત્રીમંડળમાં 6 કેબિનેટ અને ચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીમંડળમાં માત્ર એક મહિલા ધારાસભ્ય મંત્રી બની છે.


કેબિનેટમાં ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજ, કંવરપાલ , મૂળચંદ શર્મા, રણજીત સિંહ, જયપ્રકાશ દલાલ અને બનવારી લાલ સહિત કુલ 6 લોકો સામેલ છે. જ્યારે ઓમપ્રકાશ યાદવ, કમલેશ ઢાંઢા,અનૂપ ધનક અને હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહે રાજ્યમંત્રીના શપથ લીધા છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તમામને શપથ લેવડાવ્યા હતા.
24 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા રછી 27 ઓક્ટોબરે મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી અને જેજેપીના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.

હરિયાણામાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થયું હતું. રાજ્યની 90 બેઠકોમાં ભાજપને 40 બેઠકો મળી હતી જ્યારે જેજેપીને 10 બેઠકો પર જીત મળી હતી. કૉંગ્રેસે 31 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે ઈનેલો અને હરિયાણા લોકહિત પાર્ટીને એક-એક બેઠક મળી હતી.