કોલકાતા: કોકેન સાથે પકડાયેલી ભાજપના નેતા પામેલા ગોસ્વામીને અલીપોર કોર્ટે 25 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ભાજપની યુવા નેતા પામેલા ગોસ્વામીની કોકેનના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે પોલીસને દક્ષિણ કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાંથી પામેલા ગોસ્વામી પાસેથી કોકેન મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પામેલા ગોસ્વામીની થેલી અને કારના અન્ય ભાગોમાંથી આશરે 100 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું.


બંગાળ પોલીસે કેન્દ્રીય સુરક્ષા દળની હાજરીમાં પામેલાની ધરપકડ કરી હતી. તેના બાદ પામેલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં જતા સમયે મીડિયાના કેમેરાને જોઈને તેણે બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયના નજીકના રાકેશ સિંહ પર મોટો આરોપ લગાવ્યો હતો. પામેલાએ આક્ષેપ કર્યો હતો કે, આ સમગ્ર કાવતરું રાકેશ સિંહનું છે. રાકેશ સિંહની પણ ધરપકડ થવી જોઈએ. આ મામલે સીઆઈડીની તપાસ થવી જોઇએ.

રાકેશ સિંહે આ આરોપોને ફગાવી દીધાં હતા. તેમણે કહ્યું હતું કે, મને અને ભાજપને બદનામ કરવાનું કાવતરુ છે. ડ્રગ્સને છોડો હું તો ચા પણ નથી પીતો. હું તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છું.