નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનામાં કોરોના વાયરસના લક્ષણો મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ સંબિત પાત્રા ટ્વિટરમાં પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે. સંબિત પાત્રા ભાજપનો જાણીતો ચહેરો છે અને ટીવી ડિબેટમાં અવારનવાર પાર્ટીનો પક્ષ રાખતા નજરે પડે છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી પરંતુ હારી ગયા હતા.

સંબિત પાત્રા ખુદ ડોક્ટર છે. તેઓ હિન્દુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર રહી ચુક્યા છે. બીજેપીમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંબિત પાત્રા જલદી સાજા થાય તેવું ટ્વિટ પણ કરી દીધું છે.



સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,58,333 પર પહોંચી છે. 4531 લોકોના મોત થયા છે અને 67,692 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,110 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 1897, ગુજરાતમાં 938, મધ્યપ્રદેશમાં 313, દિલ્હીમાં 303, આંધ્રપ્રદેશમાં 58, આસામમાં 4, બિહારમાં 15, ચંદીગઢમાં 3, હરિયાણામાં 18, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 26, ઝારખંડમાં 4, કર્ણાટકમાં 47, કેરળમાં 7, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 40, રાજસ્થાનમાં 173, તમિલનાડુમાં 133, તેલંગાણામાં 63, ઉત્તરાખંડમાં 4, ઉત્તરપ્રદેશમાં 182 અને પશ્ચિમ બંગાળમાં 289 લોકોના મોત થયા છે.