ખંડવાઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દેશના અર્થંતંત્રને લઈ વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, નોટ પર જો લક્ષ્મીની તસવીર છાપવામાં આવે તો ભારતીય ચલણની સ્થિતિ સુધરશે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી.

પત્રકારોના સવાલનો જવાબ આપતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, નોટ પર લક્ષ્મીનો ફોટો હોવો જોઈએ, કારણકે ગણપતિ વિધ્નહર્તા છે. પરંતુ દેશની કરન્સીને સુધારવા માટે લક્ષ્મીનો ફોટો લગાવી શકાય છે. તેના પર કોઈને વાંધો નહીં હોય. તેમણે દાવો કર્યો કે, હિન્દુ અને મુસલમાનના ડીએનએ એક છે, બંનેના વંશજો એક જ છે. ઈન્ડોનેશિયાના મુસલમાનો માને છે કે અમારા વંશજો એક જ છે. તેમણે ઈન્ડોનેશિયાની નોટ પર ગણપતિનો ફોટો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમે યૂનિવર્સલ સિવિલ કોડ લાવવાના છીએ. સુપ્રીમ કોર્ટે પણ આ વખતે કહ્યું કે, યૂનિવર્સલ કોડ લાવવો જોઈએ. રામ મંદિર પર 95 ટકા લોકોનું માનવું છે કે અમે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સમર્થન કરીશું. મુસલમાનોનો પણ આ અભિપ્રાય હતો. જો બધાનું સમર્થન મળતું રહેશે તો જલદી કાશી-મથુરા અંગે પણ ફેંસલો થઈ જશે.