નવી દિલ્હીઃ દેશનો વિકાસ દર ભલે ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોય પરંતુ રાજકીય પાર્ટીઓની કમાણીમાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન રાજકીય પાર્ટીઓની કમાણીમાં 166 ટકાનો વધારો થયો છે અને હવે આ છ પક્ષોની કુલ કમાણી વધીને 3698 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. કુલ કમાણી મામલે ભાજપ સૌથી ઉપર છે. જોકે, એક વર્ષ દરમિયાન સૌથી વધુ વધારો તૃણમૂલ કોગ્રેસની કમાણીમાં થયો છે.


છ રાજકીય પક્ષોની કુલ કમાણી 3698 કરોડ રૂપિયામાંથી 2410 કરોડ રૂપિયા એકલી ભાજપની કમાણી છે. જે તમામ પક્ષોની કુલ કમાણીનો 65.16 ટકા છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સસ (એડીઆર)ના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 વચ્ચે છ રાજકીય પક્ષો (ભાજપ, કોગ્રેસ, સીપીએમ, બીએસપી, તૃણમૂલ કોગ્રેસ અને સીપીઆઇ) ની કુલ કમાણી 2308.92 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જેમાંથી 52 ટકા એટલે કે 1931.43 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોન્ડ મારફતે આવ્યા છે.

2014થી કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી ભાજપે 2018-19 નાણાકીય વર્ષ દરમિયાન પોતાની કુલ કમાણી 2410.08 કરોડ રૂપિયા જાહેર કરી છે. આ રકમમાં પાર્ટીને 41.71 ટકા એટલે કે 1005.33 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. કોગ્રેસને એક વર્ષ દરમિયાન 918.03 કરોડ રૂપિયાની કમાણી થઇ છે જેમાંથી પાર્ટીએ 51.19 ટકા એટલે કે 469.92 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મમતા બેનર્જીની ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોગ્રેસને એક વર્ષમાં 192.65 કરોડ રૂપિયા કમાણી કરી છે. જેમાંથી પાર્ટીએ 11.50 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સીપીએમએ નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન પોતાની આવક 100.96 કરોડ રૂપિયા જાહેર કરી છે. અને  જેનો તેમણે 75 ટકાથી વધુ ખર્ચ કર્યો છે.