અયોધ્યાઃ આશીર્વાદ ઉત્સવ માટે શનિવારે અયોધ્યા પહોંચેલા શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ ભગવાન રામના જન્મસ્થાન પર જઇને રામલલાના દર્શન કર્યા હતા. તેમની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે અને દીકરો આદિત્ય ઠાકરે પણ જોવા મળ્યા હતા. દર્શન કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિર હતું, છે અને રહેશે પરંતુ દેખાઇ નથી રહ્યું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જલદી શરૂ થઇ જવું જોઇએ. રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારે વટહુકમ લાવવો જોઇએ.


ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, અત્યાર સુધી ભાજપ રામ મંદિર કેમ બનાવી શકી નથી. જો કેસ અદાલત પાસે જ જવાનો હોય તો ચૂંટણી પ્રચાર દરમિયાન તેનો ઉપયોગ ના કરે અને જણાવી દો કે ભાઇઓ અને બહેનો અમને માફ કરો આ પણ અમારો એક ચૂંટણી જુમલો હતો. હિંદુઓ અને તેમની ભાવનાઓ સાથે રમત ના રમો, હું એ જ કહેવા આવ્યો છું. શિવસેનાના વડાએ કહ્યું કે, મેં સાંભળ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીજીએ કહ્યું હતું કે, મંદિર હતું, છે અને રહેશે. આ તો અમારી ધારણા છે, અમારી ભાવના છે. દુખની વાત એ છે કે તે દેખાઇ રહ્યું નથી. તે મંદિર ક્યારે દેખાશે. બહુ જલદી તેનું નિર્માણ શરૂ થવું જોઇએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, વારંવાર કહેવામાં આવે છે કે મંદિર ત્યાં બનાવીશું પરંતુ ક્યારે બનાવીશું. હિંદુ ના માર ખાશે , ના ચૂપ બેસી રહેશે. હિંદુઓની ભાવનાઓ સાથે છેડછાડ કરવા દઇશું નહીં. કાલે મને સાધુ સંતોએ આશિર્વાદ આપ્યા. મે તેમને કહ્યું છે કે અમે જે કાર્ય કરવા જઇ રહ્યા છે તે તમારા લોકો વિના પુરુ થઇ શકે નહીં. અયોધ્યા આવવા પાછળ મારો કોઇ છૂપો એજન્ડા નથી.