BJP Meeting: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના મહાસચિવ બીએલ સંતોષ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે (6 જૂન) 2024ની લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે બેઠક યોજી હતી. સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. ભારતીય જનતા પાર્ટીની આ બેઠક બાદ અનેક રાજ્યોના પ્રભારી બદલાઈ શકે તેવુ અનુમાન છે. આ સિવાય અનેક રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ પણ બદલાઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની આ બેઠકને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર યુપી સહિત કેટલાક રાજ્યોના રાજ્ય પ્રભારી બદલાઈ શકે છે. કેટલાક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલવાની પણ ચર્ચા થઈ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પદાધિકારીઓમાં કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને નવું વલણ આપવા અંગે ચર્ચા થઈ રહી છે. આ બેઠક સોમવારે (5 જૂન) રાત્રે પણ થઈ હતી.
શું છે ભાજપની બેઠકનો એજન્ડા ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર મીટિંગના એજન્ડામાં કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકોમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે સંગઠનાત્મક બાબતોનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે હાર બાદ, ભાજપ આગામી રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
આ વર્ષે કયા રાજ્યોમાં ચૂંટણી છે ?
રાજસ્થાન અને છત્તીસગઢમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. મધ્યપ્રદેશમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ પણ છે. તેલંગાણામાં પણ ચૂંટણી યોજાવાની છે, જ્યાં કેસીઆર સત્તા પર છે.
જ્યારે ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તેની સામે મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવાનો પડકાર પણ છે. તેલંગાણામાં પણ બીઆરએસને હરાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આગામી વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ પણ એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે.
આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક રાજ્યોમાં અત્યારથી જ કામગીરી શરુ કરવામાં આવી છે.