નવી દિલ્હીઃ ભાજપના સાંસદ ગણેશ સિંહે ગુરુવારે દાવો કર્યો કે, અમેરિકાની એક શૈક્ષણિક સંસ્થાના સંશોધન અનુસાર રોજ સંસ્કૃત ભાષા બોલવાથી નર્વસ સિસ્ટમને તંદુરસ્તી મળે છે. તેમણે જણાવ્યું કે, તેનાથી ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે.


સંસ્કૃત વિશ્વવિધ્યાલયના બિલ પર ચર્ચા દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો કે, અમેરિકન અંતરિક્ષ રિશર્ચ સંસ્થા નાસાની શોધ અનુસાર જો કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તેમાં કોઈ મુશ્કેલી નહીં આવે.



બિલ પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી પ્રતાર સારંગીએ સંસ્કૃતમાં પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું હતું કે દ્રુમક મિત્ર સંસ્કૃતને લઈને કહી રહ્યા છે તેમને કહેવા માંગીશ કે સંસ્કૃતથી તમિલ કે બીજી કોઈપણ ભાષાને નુકસાન થવાનું નથી. સંસ્કૃત એક સમાવેશી ભાષા છે અને દુનિયાની ઘણી ભાષાઓથી તેનો સંબંધ છે.

બીજી તરફ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ફિરોઝ ખાનની નિમણુકને લઈને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનું નિવેદન સામે આવ્યું છે. રમેશ પોખરિયાલે ગુરુવારે કહ્યું હતું કે પ્રોફેસર ફિરોઝ ખાન બીએચયૂના સંસ્કૃત વિભાગમાં જ છે અને સંસ્કૃત જ ભણાવશે.