નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિરનો કેસ હિન્દુઓના પક્ષમાં આવશે અને કાશ્મીરમાંથી 370ની કલમ પણ હટશે. સ્વામીએ ‘ઘર વાપસી’ના જનક મહામના મદનમોહન માલવિયાને ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, માલવીયે કહ્યું  હતું કે, જે ભટકીને બીજા કોઇ પંથમાં જતા રહે છે તેમને પાછા લાવવાનો રસ્તો ખોલવો જોઇએ. મહામના માલવીય મિશન તરફથી રવિવારે ગન્ના સંસ્થાન ખાતે ‘મહામના તેમજ હિન્દુત્વ’ વિષય પર આયોજીત કાર્યક્રમમાં સ્વામી બોલી રહ્યા હતા.


સ્વામીએ કહ્યું કે, રામ મંદિરને લઇને મુસ્લિમ પક્ષથી લઇને કોગ્રેસના વકીલ સુધી પ્રોપર્ટીના અધિકારની દલીલ આપી રહ્યા છે. આ સાધારણ અધિકાર છે. હું પૂજાના બંધારણીય હકને લઇને સુપ્રીમ કોર્ટમાં ગયો છું. રામનું મંદિર તેમના જન્મસ્થળે જ બનશે, નમાજ તો રસ્તા પર પણ અદા કરી શકાય છે. જેથી સુપ્રીમ કોર્ટે જૂલાઇથી રામ મંદિરની સુનાવણી ફાસ્ટ ટ્રેક પર કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં સ્વામીએ કહ્યું કે, મુસ્લિમોએ માની લેવું જોઇએ કે તેમના પૂર્વજ હિન્દુ હતા. જેથી સમરસતા વધશે, પરંતુ જો તમે ઘોરી, ગજની અને ઔરંગઝેબને પૂર્વજ માનશો તો ધૃણાનો ભાવ વધશે.

સંઘ વિચારક કેએન ગોવિંદાચાર્યએ કહ્યું કે, પોતાની આસ્થા પ્રત્યે સ્વાભિમાન અને અન્યનું સન્માન એ જ હિન્દુ સંસ્કૃતિ છે. કથની અને કરનીમાં સામ્યતા જ જરૂરી છે. સરકારવાદ સમાપ્ત થઇ ગયો છે પરંતુ બજારવાદ ભારે પડી રહ્યો છે. તેનું સમાધાન ભારતીય સંસ્કૃતિમાં છે.