હૈદરાબાદઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હૈદરાબાદમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી. હૈદરાબાદમાં યુવા મહાઅધિવેશન વિજય લક્ષ્ય 2019ને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે જો એકવાર ફરી મોદી સરકાર બનશે તો કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીમાં એક એક ઘૂસણખોરોને બહાર કાઢીશું. અમિત શાહે તમામ રાજ્યોમાં કોગ્રેસની હાર અને બીજેપીના વધતા જનાધાર પર પણ ચર્ચા કરી હતી.


આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે બોલતા અમિત શાહે કહ્યું કે, બીજેપી NRC લઇને આવી અને 40 લાખ લોકોને ઘૂસણખોર જાહેર કરવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને અમે તેના પર સમાધાન કરવા પર ઇનકાર કરીએ છીએ. હૈદરાબાદમાં પ્રભાવશાળી નેતા અસદ્દુદીન ઓવૈસી પર હુમલો કરતા આરોપ લગાવ્યો કે, તેમના ડરથી કેસીઆર સરકારે હૈદરાબાદ લિબરેશન ડે મનાવવાનું છોડી દીધું છે. હૈદરાબાદ તે સ્થળ છે જ્યાંથી સરદાર પટેલજીએ સિંહનાદ કર્યો હતો અને નિઝામે ભાગવું પડ્યું હતું.

અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા અમે સાડા ચાર વર્ષનો હિસાબ આપવા માંગતા નથી કારણ કે તમારે હિસાબ માંગવાનો અધિકાર નથી. કોગ્રેસે ચાર પેઢી સુધી શાસન કર્યું પરંતુ ગરીબો માટે કાંઇ કર્યું નથી. આયુષ્યમાન ભારત યોજનાથી દેશના લગભગ 50 કરોડ લોકોને ફાયદો થશે. 2019માં પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવા તૈયાર છે. જ્યાં મોદી મેક ઇન ઇન્ડિયા બનાવી રહ્યા છે ત્યારે મહાગઠબંધન બ્રેકિંગ ઇન્ડિયામાં વ્યસ્ત છે. મહાગઠબંધનનો કોઇ નેતા, નીતિ અને આદર્શ નથી.