નવી દિલ્લી: પીએમ નરેંદ્ર મોદી અને બિહારના સીએમ નીતીશ કુમારને ચૂંટણી જીતાડનારા રણનીતિકાર અને નીતીશ કુમારના સલાહકાર પ્રશાંત કિશોરને લઈને મોટો વિવાદ થયો છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે પ્રશાંત કિશોરે વિઝન ડૉક્યુંમેંટ બનાવવા માટે 9 કરોડ 31 લાખ લીધા છે પરંતુ તેમણે બિહારને વિઝન ડૉક્યુંમેંટ બનાવીને આપ્યું નથી. બીજેપીએ પ્રશાંત કિશોરને સીએમ નીતીશ કુમારના સલાહકાર પદેથી હટાવવાની માંગ કરી છે.
8 નવેમ્બર 2015ની એ તસવીર યાદ હશે આપને નીતીશ અને લાલુની જોડીએ ભાજપને હરાવી બિહારમાં ધમાકેદાર જીત પ્રાપ્ત કરી હતી. નીતીશ કુમારે આ જીતનો શ્રેય પ્રશાંત કિશોરને આપ્યો હતો.
જીત બાદ પ્રશાંત કિશોરની કાબિલિયતનું સમ્માન કરવા નીતીશે તેમને બિહારમાં જ રોકી લીધા હતા. તેમને પોતાના સલાહકાર બનાવ્યા હતા અને 2025 સુધીમાં બિહારની સ્થિતી બદલવા માટે તેમની કંપની સીટીઝન એલાંયસ પ્રાઈવેટ સાથે કરાર કર્યો હતો. બિહાર @2025 બનાવવા માટે પ્રશાંત કિશોરને 9 કરોડ 31 લાખનો કોન્ટ્રાક્ટ નીતીશ સરકારે આપ્યો હતો.
બિહાર બીજેપીના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીએ આરોપ લગાવ્યો છે કે 9 કરોડ 31 લાખ લઈને પ્રશાંત કિશોર બિહાર છોડી ચુક્યા છે અને યુપીમાં કોંગ્રેસને જીતાડવા માટે કામ કરી રહ્યા છે. શું સુશીલ કુમાર મોદી 9 કરોડ 31 લાખના ભષ્ટાચાર તરફ તો આંગળી નથી ચીંધી રહ્યા.
પ્રશાંત કિશોરે બિહાર વિઝન ડોક્યૂમેંટ માટે કામ પૂર્ણ નથી કર્યું પરંતુ પૈસા મેળવી લીધા છે. સલાહકાર બન્યા બાદ પ્રશાંત કિશોર માંડ એક બે વખત બિહાર આવ્યા છે. નીતીશ કુમારના સલાહકાર હોવાના નાતે પ્રશાંત કિશોર બિહાર વિકાસ મિશનના સભ્ય છે. 31 મેના બિહાર વિકાસ મીશનની બેઠક મળી હતી જેમાં પ્રશાંત કિશોરની ગેરહાજરી હતી.
સુશીલ કુમારે કહ્યું કે મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે છેલ્લા 8 મહિના દરમ્યાન તેમના સલાહકારે બિહારના હિત માટે શું સલાહ આપી છે. શું આવી સ્થિતીમાં પ્રશાંત કિશોરે સલાહકાર પદેથી રાજીનામુ ન આપવું જોઈએ. બિહાર વિઝન ડોક્યુંમેંટ માટે 9 કરોડ લીધા પછી તેમજ સલાહકારની સ્પષ્ટ ભૂમિકા ન નિભાવવા છતા પ્રશાંત કિશોરનો પદ પર યથાવત રહેવાનો શું મતલબ.
કેંદ્ર સરકારના નીતિ આયોગના આદેશ મૂજબ વિઝન ડોક્યૂમેંટ બનાવવું નીતીશ સરકાર માટે જરૂરી છે.નીતિ આયોગે 7 વર્ષનો સ્ટ્રેટેજિક પ્લાન અને 3 વર્ષનો એક્શન પ્લાન માંગ્યો છે.પરંતુ બિહારનું વિઝન ડોક્યૂમેન્ટ તૈયાર નથી.
પ્રશાંત કિશોરે 2014માં બીજેપી માટે કામ કર્યું હતું. મોદીને પીએમ બનાવવા માટે રણનીતિ તૈયાર કરનાર પ્રશાંત કિશોર હતા.પ્રશાંત કિશોરના મોદી સક્સેસ બાદ જ નીતીશ કુમારે તેમની જીતનો શ્રેય પ્રશાંત કિશોરને આપ્યો હતો.