લખનઉઃ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ  વિધાનસભા ચૂંટણીના પરિણામ પર સૌની નજર છે ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યો હોવાના સંકેત મળ્યા છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી ભાજપને જોરદાર ટક્કર આપી રહી છે પણ બંને વચ્ચે ઘણું મોટું અંતર છે.


શરૂઆતના ટ્રેન્ડ પોસ્ટલ વોટના આધારે છે તેથી તેમાં ફેરફાર થઈ શકે પણ શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 101 બેઠકો પર આગળ હતો જ્યારે સમાજવાદી પાર્ટી 60 બેઠકો પર આગળ હતી. બહુજન સમાજ પાર્ટી 3 બેઠકો પર અને કોંગ્રેસ  4 બેઠકો પર આગળ હતા જ્યારે અન્ય 2 બેઠકો પર આગળ હતા.


યુપીનાં પરિણામ નક્કી કરશે કે આવનારા 5 વર્ષ યુપીની 24 કરોડ વસતિ પર કોણ રાજ કરશે. યુપીમાં સાત તબક્કામાં 25 દિવસમાં થયેલા મતદાનમાં 62 ટકા જેટલું મતદાન થયું હતું. યુપીમાં મુખ્ય જંગ ભાજપ અને સપા વચ્ચે છે. ગઈ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 312 સીટો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે સપાને 47 સીટો મળી હતી. બસપાને સપાથી વધુ મત મળ્યા હતા પણ માત્ર 19 બેઠકો જ મળી હતી. આ વખતે ભાજપે હિંદુત્વ, પરિવારવાદ, ગુંડા-માફિયા ને મોટો મુદ્દો બનાવ્યો છે.


યુપીમાં એનડીએના પક્ષોમાં ભાજપ 370 બેઠકો પર, અપના દલ 17 બેઠકો પર અને નિષાદ પાર્ટી 16  બેઠકો પર લડે છે જ્યારે કોંગ્રેસ એકલા હાથે 400 બેઠકો પર લડે છે. સમાજવાદી પાર્ટીના ગઠબંધનમાં સપા 343, રાલોદ 33, સુભાસપા 17 અને અન્ય 10 બેઠકો પર લડે છે જ્યારે બસપા એકલા હાથે 403 બેઠકો પર લડે છે.