નવી દિલ્હીઃમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઠાકરે સાથે આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા. ફડણવીસે આદિત્ય ઠાકરેને અભિનંદન આપતા કહ્યું કે, તે સૌથી વધુ મતોથી જીતશે. ગઠબંધનમાં તમામને સમાધાન કરવું પડે છે. આ ગઠબંધન માટે તમામ લોકોએ સમાધાન કર્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, કેટલાક લોકો વિચારી રહ્યા હતા કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન થશે કે નહીં. લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી. કેટલીક બાબતોને લઇને પાર્ટીમાં મતભેદ છે. જેને બે-ત્રણ દિવસમાં ઉકેલી દેવામાં આવશે. જેણે પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો છે તેને જનતા જવાબ આપશે.


દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ અને શિવસેના ભાઇ-ભાઇ છે. આ ગઠબંધનમાં મોટો ભાઇ અને નાનો ભાઇ જેવું કાંઇ નથી. મહારાષ્ટ્રના ફાયદા માટે કામ કરવાનું છે. અગાઉ તો ભાજપ અને શિવસેનાના ગઠબંધન પર સવાલ હતો પરંતુ હવે અમે ચૂંટણીમાં સાથે આવી ગયા છીએ. લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં માહોલ બદલાઇ ગયો છે. શિવસૈનિકોના સ્વપ્નાઓનું સન્માન કરવામાં આવ્યું છે.