જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતે રાજસ્થાન ક્રિકેટ સંઘના અધ્યક્ષ પદની ચૂંટણી જીતી લીધી છે. વૈભવ 25 મતથી આ ચૂંટણી જીતી લીધી છે. નોંધનીય છે કે ઉમેદવારી પત્રક ભરવાની સાથે જ વૈભવ આ ચૂંટણી જીતશે તે નક્કી માનવામાં આવી  રહ્યું હતુ. તેમના હરિફ રામપ્રકાશ ચૌધરીને ફક્ત છ મત મળ્યા હતા.


રાજનીતિમાં પ્રભાવી શરૂઆત કરવામાં નિષ્ફળ રહેલા વૈભવે ક્રિકેટ પ્રશાસનમાં ખાસ અનુભવ નથી. લોકસભા ચૂંટણીમાં જોધપુર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ગજેન્દ્ર સિંહ શેખાવત સામે મોટા અંતરથી હારનો સામનો કરનાર વૈભવને કોગ્રેસના વરિષ્ઠ નેતા અને આરસીએના વર્તમાન અધ્યક્ષ સીપી જોશીનું સમર્થન મળ્યું હતું.

વૈભવને કોગ્રેસના એક નેતા અને નાગૌર જિલ્લા ક્રિકેટ સંઘના રામેશ્વર ડૂડી તરફથી પડકાર મળી શકતો હતો પરંતુ આરસીએના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી સાથે સંબંધ હોવાના આરોપમાં  નાગૌર સિવાય અલવર અને શ્રીગંગાનગરના ક્રિકેટ સંઘને અયોગ્ય જાહેર કરી દેવાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આરસીએના અધ્યક્ષ બન્યા બાદ હવે ભારતીય ક્રિકેટ બોર્ડમાં તેમના પ્રવેશનો રસ્તો ખુલી જશે.