Politics News:  સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણી બોન્ડ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં મોખરે છે. આ પાર્ટી દર વર્ષે અન્ય રાજકીય પક્ષો કરતા ઘણા વધુ નાણાંનું ભંડોળ મેળવી રહી છે. છેલ્લા 7 વર્ષથી ભાજપ ફંડ એકત્ર કરવામાં ટોચ પર છે. નાણાકીય વર્ષ 2021-22માં ભાજપને વિવિધ માધ્યમથી કુલ 1,917.12 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.


ચૂંટણી પંચ દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. પાર્ટીના ઓડિટ રિપોર્ટ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP)ને નાણાકીય વર્ષ 2021-22માં વિવિધ માધ્યમથી કુલ  1,917.12 કરોડ રૂપિયાનું યોગદાન મળ્યું છે. જેમાં પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 1,033.7 કરોડ રૂપિયા મળ્યા હતા.  પાર્ટીએ 854.46 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.


કોંગ્રેસ ભાજપથી ઘણી પાછળ રહી ગઈ છે


દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસે નાણાકીય વર્ષ 2021-22ના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં તેનો ખર્ચ 400.41 કરોડ રૂપિયા અને રસીદો 541.27 કરોડ રૂપિયા દર્શાવી છે. કોંગ્રેસે 347.99 કરોડની અનુદાન, દાન અને યોગદાન દર્શાવ્યું છે. જો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સરખામણી કરવામાં આવે તો કોંગ્રેસ આ મામલે ઘણી પાછળ રહી ગઈ છે.


CPIને 2.87 કરોડ મળ્યા


કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) એ નાણાકીય વર્ષ 2021-22ના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં રૂ. 2.87 કરોડની થાપણો અને રૂ. 1.18 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. CPI દેશભરના ઘણા રાજ્યોમાં ચૂંટણી લડે છે. જો કે તે કોઈ મોટા રાજ્યમાં સત્તામાં નથી.


ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે મંગળવારે રાજકીય પક્ષો સાથે સંબંધિત આવક અને ખર્ચનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો હતો. જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI) અને કોંગ્રેસ, આ ત્રણેય દેશની 8 માન્ય રાષ્ટ્રીય પાર્ટીઓમાં સામેલ છે.


જો આપણે જૂના આંકડાઓની વાત કરીએ તો 2019-20માં ભાજપે લગભગ 3623 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા જ વર્ષ 2020-21માં તે ઘટીને 752 કરોડ થઈ ગઈ હતી. બીજી બાજુ, 2021-22 માટે ભાજપે તેની કુલ આવક 1917.12 કરોડ રૂપિયા જાહેર કરી છે.


કોંગ્રેસની આવક પર નજર કરીએ તો 2020-21માં પાર્ટીની આવક 285 કરોડ 76 લાખ રૂપિયા હતી, જ્યારે 2019-20માં કોંગ્રેસની આવક 682 કરોડ 21 લાખ રૂપિયા હતી.