નવી દિલ્હી: મોદી સરકારના ત્રણ ટોટના મંત્રીઓ અચાનક કોંગ્રેસના સંસદીય દળના નેતા સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ મંત્રીઓમાં સંસદીય કાર્યમાંત્રી પ્રહલાદ જોશી, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતાં.

આ ત્રણેય મંત્રીઓ સોનિયા ગાંધી સાથે 17મી જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્ર પર ચર્ચા કરી હતી. 17મી લોકસભાનું પહેલું સત્ર 26મી જુલાઈએ સમાપ્ત થશે અને બજેટ પાંચ જુલાઈએ રજુ કરવામાં આવશે.

સૂત્રોના પ્રમાણે, પ્રહલાદ જોશીનું સોનિયા ગાંધીના નિવાસસ્થાને જવું વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયતનો એક ભાગ છે. ત્રણયે મંત્રીઓ અને સોનિયા ગાંધીની આ બેઠક આશરે 15 મીનિટ ચાલી હતી.

જોશીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં દ્રમુક નેતા ટીઆર બાલૂ સાથે પણ મુલાકાત કરી હતી. સરકાર બજેટ ઉપરાંત ટ્રીપલ તલાક પર પ્રતિબંધ સહિતના 10 નવા અધ્યાદેશોને કાયદામાં બદલવાની યોજના બનાવી રહી છે. પહેલા બે દિવસ નવા સાંસદો શપથ ગ્રહણ કરશે.