નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. આવતીકાલે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. આ પહેલા આમ આદમી પાર્ટીએ કેજરીવાલ ગેરંટી કાર્ડ જાહેર કર્યું હતું.


દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે ખાસ રણનીતિ અપનાવી છે. જેને લઈને ભાજપે મેરી દિલ્હી, મેરા સુઝાવ નામથી એક અભિયાન ચલાવ્યું છે. ચૂંટણી ઢંઢેરાને લઈને ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં 49 બસો ચલાવી અને ચૂંટણી ઢંઢેરા માટે લોકો પાસે અભિપ્રાય માગ્યા હતા.

આ અભિયાનને કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારી, વિજય ગોયલ, હંસરાજ હંસે લોન્ચ કર્યું હતું. મેરી દિલ્હી, મેરા સુઝાવ અભિયાનમાં ભાજપે 70 વિધાનસભાઓમાં 49 વીડિયો રથ સાથે 1600 વિશેષ બોક્સ પણ રાખ્યા હતા.

દિલ્હી કૉંગ્રેસે પણ વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીના ચૂંટણી ઢંઢેરા માટે લોકો પાસે અભિપ્રાય પ્રાપ્ત કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનું નામ દિલ્હી કે દિલ કી બાત કૉંગ્રેસ કે સાથ રાખવામાં આવ્યું હતું.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીના ચૂંટણી પરિણામ જાહેર થશે.