નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ટીએમસી સુપ્રીમો મમતાએ કેજરીવાલના સમર્થનમાં દિલ્હીની જનતા માટે વોટ માંગ્યા છે.

ટીએમસી સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને કહ્યું કે આમ આદમી પાર્ટીને વોટ કરો, રાજેન્દ્ર નગર સીટ પરના ઉમેદવાર રાઘવ ચડ્ઢા માટે મતદાન કરો. અરવિંદ કેજરીવાલ અને AAPના તમામ ઉમેદવારોને વોટ કરો.


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના મતદાન થશે અને 11 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે. ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.