નવી દિલ્લી: યૂપીમાં બીજેપી એક બે નહી પરંતુ અડધો ડઝન ચહેરાઓને લઈને ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ચૂંટણીને વ્યક્તિગત કેંદ્રીત ન બનાવવાની રણનીતિને લઈને પાર્ટીએ નક્કી કરી લીધુ છે કે આ ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત નહી કરે.


પાંચ નવેમ્બરે સહારનપુરથી શરૂ થઈ રહેલી પાર્ટીની પરિવર્તન યાત્રામાં રથ પર છ પ્રમુખ નેતાઓની તસવીર લગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, કેંદ્રીય ગૃહમંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાજનાથ સિંહ, મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને કેંદ્રીય જલ સંશાધન મંત્રી ઉમા ભારતી, કેંદ્રીય મંત્રી કલરાજ મિશ્ર અને પ્રદેશ બીજેપી અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્ય.

પીએમ અને શાહ સિવાય બાકી ચાર નેતાઓ તસવીરો લગાવવા પાછળ બીજેપીની રણનીતિ જાતીય સમીકરણની છે. રાજનાથ સિંહ અને કલરાજ મિશ્ર સવર્ણોનું નેતૃત્વ કરે છે, જ્યારે ઉમા ભારતી અને કેશવ પ્રસાદ મોર્ય પછાત વર્ગનું નેતૃત્વ કરે છે. બીજેપી હાલ સુધી એમ જ કહી રહ્યું છે કે સીએમ ઉમેદવાર સંસદીય બોર્ડ નક્કી કરશે.

પરિવર્તન યાત્રાના પોસ્ટર પરથી લાગી રહ્યું છે કે બીજેપી કોઈ ખાસ ચહેરાને આગળ નહી કરે. પાર્ટી મહાસચિવ ભૂપેદ્ર યાદવે જણાવ્યું કે પરિવર્તન યાત્રાની શરૂઆત 5 નવેંબરથી થશે. સહારનપૂરથી અમિત શાહ પ્રથમ રેલીની શરૂઆત કરશે. 6 નવેંબરથી ઝાંસીથી બીજી યાત્રા,8 સોનભદ્રથી ત્રીજી, 9 નવેંબરે બલિયાથી ચોથી યાત્રા શરૂ થશે. આ તમામ યાત્રાઓ 24 ડિસેંબરે લખનઉમાં પૂર્ણ થશે જ્યા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પરિવર્તન સભાને સંબોધિત કરશે.

યાત્રા દરમિયાન 17000 કિલોમીટર પ્રવાશ કરાશે. યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીની છ મોટી સભાઓ કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રીય નેતાઓની 30મોટી સભાઓ કરવામાં આવશે. યાદવના જણાવ્યા મૂજબ 75 જિલ્લા મુખ્યાલયમાં 4500 સ્વાગતના કાર્યક્રમ કરાશે.