નવી દિલ્હીઃ તેલંગણામાં એક દિવસીય પ્રવાસ પર પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે, ધર્મના નામ પર અનામત હોઇ શકે નહીં. ભાજપ તેલંગણાની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે સવાલ કર્યો હતો કે અગાઉ એક સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીનું સમર્થન કરનારી ટીઆરએસએ અચાનક વિધાનસભા ભંગ કેમ કરી દીધી. તેલંગણા જેવા નાના રાજ્યમાં જનતા પર જબરદસ્તી બે ચૂંટણીનો બોજ નાખ્યો છે.
શાહે કહ્યું કે, ટીઆરએસએ પ્રજા પર ચૂંટણી થોપવાનું કામ કર્યું છે. 9 મહિના અગાઉ ચૂંટણી લાવવામાં આવી છે. પ્રજા બધુ જોઇ રહી છે. ભાજપ તમામ બુથ પર મજબૂતી સાથે ચૂંટણી જીતશે. ટીઆરએસ ચૂંટણી જીતી શકશે નહીં. ટીઆરએસ પર શાબ્દિક હુમલો કરતા તેમણે કહ્યું કે, 2014માં તેણે એક દલિત મુખ્યમંત્રી આપવાનું વચન આપ્યું હતું પરંતુ આપી શકી નથી. શું તેઓ આગામી ચૂંટણી બાદ પોતાનું વચન પુરુ કરી શકશે.