નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી અને ભાજપના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી જે પી નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી 74 બેઠકો પર વિજય હાંસલ કરશે. પાર્ટીમાં ઉત્તર પ્રદેશની નવી જવાબદારી મળ્યા બાદ પ્રથમવાર નડ્ડા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી.
અહીં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 73 બેઠકો નહી પરંતુ 74 બેઠકો જીતશે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકો જીતી હતી. જ્યારે તેમની સહયોગી પાર્ટી અપના દળ-એસએ બે બેઠકો પર વિજય મેળવ્યો હતો. નડ્ડાએ ભાજપના પ્રદેશ હેડક્વાર્ટર પર કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ મોટી જીત મેળવશે. તમામ રેકોર્ડ તોડી નાખશે. તેનું કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર દ્ધારા કરવામાં આવેલા કાર્યો છે. ચૂંટણીમાં વિકાસ જ મુદ્દો હશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે સપા અને બસપાનું ગઠબંધન ખતરો છે કે નહી? જેના પર નડ્ડાએ કહ્યું કે, અમે જાણતા હતા કે આ પ્રકારનું ગઠબંધન બનશે. અમારી રણનીતિ હશે કે ઓછામાં ઓછી 50 ટકા મતની હિસ્સેદારી હાંસલ કરવામાં આવે.